સરદાર વલ્લભભાઈ પટેલ

 


સરદાર વલ્લભભાઈ પટેલ....

ભારતની સ્વાતંત્ર્ય-સાધનામાં ગાંધીજી પછીના અગ્રણીઓમાં અગ્રણી ને સ્વાતંત્ર્યસિદ્ધિ પછી પોતાનાં એ જ અસાધારણ નિશ્ચયબળ અને ઝડપી કાર્યશક્તિ દ્વારા નૂતન ભારતની નિમેષમાત્રમાં આશ્ચર્યકારક કાયાપલટ કરી દઈ તેને અખંડ રૂપ આપનાર.

 ભારતના વજપુરુષ સરદાર વલ્લભભાઈ આજે નથી તે હકીકત છે જેની પ્રતીતિના આંચકા આજના દેશકાળમાં સતત મળ્યા કરે છે. એ નથીનો અહેસાસ આપણને સતત થયા જ કર છે.

સરદાર જતાં આખા દેશને પોતે શું ગુમાવ્યું છે તેનું એક ઝબકારામાં ભાન થાય એટલા એ સૌના જીવમાં ઓતપ્રોત હતા. કાશ્મીરથી કન્યાકુમારી સુધી પ્રજા રાતે આડે પડખે થતી ત્યારે એની નજર સરદારના મોં સામે રહેતી અને એ નિરાંતે આરામ લેતી.

 સરદાર જતાં એને એ ઓથ ગઈ તેવું લાગ્યું. ગાંધીજી જતાં જે બે નેતાઓ પોતાના તેજે પ્રકાશી શકે એવા રહ્યા તેમાંના એક સરદાર. આ હકીકત જ એમની અંતર્ગત મહત્તા સૂચવવા માટે પૂરતી ગણાય અને ગાંધીજી સાથે એમને સામ્ય હોય તો તે પણ સૌથી વધુ તો એક વિરલ ગુણ અંગે. બંને અભય અનુભવનારા હતા, વીર હતા.

ખેડા જિલ્લાના કરમસદ ગામમાં પિતા ઝવેરભાઈ પટેલને ત્યાં તેમનો જન્મ. પિતા સ્વામિનારાયણ સંપ્રદાયી. વ્યવસાય ખેતીનો. તેમનામાં પણ સ્વાતંત્ર્યપ્રેમની છાંટ તો હતી જ. ૧૮૫૭ની પ્રથમ સ્વાતંત્ર્ય- ક્રાંતિમાં અંગ્રેજ સરકારની સામે લડનાર કોઈ ટુકડીને મદદ કરવા માટે ત્રણ વરસ સુધી તેમણે પોતાના વતનનો ત્યાગ કર્યો હતો.

 ગુજરાતમાં તો એ ક્રાંતિની ખાસ અસર નહોતી. એટલે તેઓ બહાર જઈ ચળવળ-પ્રવૃત્તિમાં પડેલા. તેઓ ઇન્દોરમાંથી પકડાયેલા અને સજા થયેલી. વિઠ્ઠલભાઈ તેમના મોટા દીકરા.

વલ્લભભાઈને ગળથૂથીમાંથી ભક્તિ અને વીરત્વના સંસ્કારો મળ્યા. પરિણામે નાનપણથી જ તેઓ સાહસિક, નીડર, કાર્યકુશળ અને સહનશીલ હતા. નાનપણથી જ તેમનામાં નેતાગીરીનો સ્વાભાવિક ગુણ હતો.

ગુજરાતી અભ્યાસ ગામઠી નિશાળમાં પૂરો કર્યો અને પછી નડિયાદની સરકારી અંગ્રેજી હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો. તે સમયે નડિયાદ ગોવર્ધનરામ, મણિલાલ નભુભાઈ, બાલાશંકર વગેરે સાક્ષરોને કારણે સાક્ષરભૂમિ કહેવાતું. શાળામાં તેઓ તોફાની વિદ્યાર્થી તરીકે જાણીતા હતા.

 ઈ. ૧૮૯૭માં તેઓ મેટ્રિક ત્યાંથી જ થયા. તે સમયે મેટ્રિક પછી કાયદાનો અભ્યાસ કરી ઈ. ૧૯૦૦માં ડિસ્ટ્રિક્ટ પ્લીડરની પરીક્ષા પાસ કરી અને વકીલ થઈ ગયા. વલ્લભભાઈએ ગોધરા, બોરસદ અને આણંદમાં વકીલાત કરી.

 તેમની કુશાગ્ર બુદ્ધિ અને હાજરજવાબીથી તેમની વકીલાત થોડો જ સમયમાં જામી ગઈ. વલ્લભભાઈનો કેસ જે કોરટમાં ચાલતો તેમાં કંઈ ને કંઈ નવાજૂની થતી. એટલે એમનો કેસ સાંભળવા કોટમાં ભીડ જામતી. તે વખતે મોટા ભાગના મૅજિસ્ટ્રેટ અંગ્રેજો હતા.

 તેમની સાથે વલ્લભભાઈને અચૂક ચકમક ઝરતી. એટલે થોડા જ વખતમાં આખા વિસ્તારમાં એક બાહોશ ને માથાભારે વકીલ તરીકે તેમનું નામ ગાજવા માંડ્યું.

વલ્લભભાઈને ઇંગ્લૅન્ડ જઈ બૅરિસ્ટર થવાનો ભારે મનસૂબો હતો. પણ પરદેશ જવા પૈસા ક્યાં હતા ભારે પરિશ્રમ કરી, પૈસા ભેગા કરી તેઓ ઈ. ૧૯૧૦ના ઑગસ્ટમાં ઇંગ્લૅન્ડ ગયા અને અભ્યાસમાં ખૂંપી ગયા.

 તેમણે મોજશોખ બાજુએ મૂક્યા. પરદેશી વાતાવરણમાં પણ કોઈ દૂષણમાં ન સપડાતાં પોતાના સંસ્કાર ખોયા નહીં. જે કાર્યની સિદ્ધિ માટે તેઓ ગયા હતા, જે મુશ્કેલી વેઠી તેઓ ગયા હતા તેમાં મશગૂલ રહ્યા. સવારે નાસ્તો કરી અગિયાર માઈલ દૂર આવેલા મિડલ ટેમ્પલના સ્થળે તેઓ પગપાળા પહોંચી જતા. 

બપોરે દૂધ અને પાંઉ ખાઈ લેતા અને સાંજે લાઈબ્રેરી બંધ થાય ત્યાં સુધી સત્તર સત્તર અવિશ્રાંતપણે અભ્યાસ કર્યા કરતા.

વલ્લભભાઈનો પરિશ્રમ ફળ્યો. પ્રથમ વર્ગમાં પ્રથમ આવી તેમણે ઝળહળતી ફતેહ મેળવી. તેમને પચાસ પાઉન્ડનું ઇનામ અને બે ટર્મની ફી-માફી મળી ! આટલી સફળતા મળ્યા છતાં પોતાનું ધ્યેય પ્રાપ્ત કર્યા બાદ તરત ૧૯૧૩માં તેઓ ભારત પાછા ફર્યા.


સરદાર વલ્લભભાઈ પટેલ (૩૧ ઓક્ટોબર ૧૮૭૫ - ૧૫ ડિસેમ્બર ૧૯૫૦) ભારતના એક રાજકીય તથા સામાજિક નેતા હતા, જેમણે દેશની સ્વતંત્રતાની લડતમાં મહત્વનો ફાળો આપ્યો અને અખંડ, સ્વતંત્ર ભારતના એકીકરણનું નેતૃત્વ કર્યું. ભારત અને દુનિયાભરમાં તેઓ સરદારના નામથી સંબોધાય છે. તેમજ એના દ્રઢ મનોબળ ના કારણે લોખંડી પુરુષ તરીકે પણ ઓળખાય છે. ગાંધીજીએ તેમને સરદારનું બિરુદ આપ્યું

 

Post a Comment

Previous Post Next Post